અમદાવાદની વિમાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી આજે સવારે 7.30 કલાકે અમદાવાદ આવી પહોંચતા જ અત્યંત ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
વાસ્તવમાં વિજયભાઈ રૂપાણીને આજે લંડનમાં અંજલીબેન તથા પરિવારના સભ્ય લોકોને મળવાનું હતું અને તે માટે ગઈકાલે બપોરે અમદાવાદ-લંડન ફલાઈટમાં રવાના થયા હતા પણ આ ફલાઈટ મીનીટોમાંજ દુર્ઘટનાગ્રસ્ત થતા શ્રી રૂપાણી પણ તેમાં મૃત્યુ પામ્યા હતા.
લંડનમાં આ ખબર મળતા જ તુર્તજ અંજલીબેન તથા લંડનમાં તેમની સાથે રહેલા વિજયભાઈના પરિવાર- સ્નેહી જેવા સાથી નીતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી અને તેમનો પરિવાર તુર્તજ ભારત આવવા રવાના થયો હતો.
લંડનથી દુબઈ અને ત્યાંથી રાત્રીના તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાંથી ખાસ વિમાનમાં આજે સવારે અમદાવાદ આવી પહોંચતા તેમના ચાર્ટર ફલાઈટનુ ગુજસેલના એરપોર્ટ પર લેન્ડીંગ કરાવાયુ હતુ.
વિમાની મથકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, વિજયભાઈના એક સમયના કેબીનેટના સાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, રાજયના મંત્રી શ્રી મુકેશ પટેલ તથા રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર તથા અનેક વર્તમાન અને પુર્વ કોર્પોરેટર ત્યાં હાજર હતા.
શ્રી અંજલીબેન તથા તેમની સાથેના ભારદ્વાજ-ભંડેરી પરિવારના સભ્યો તુર્તજ પુર્વ મુખ્યમંત્રીના નિવાસે પહોંચ્યા જયાં રાજય સરકારના સીનીયર અધિકારી તથા વિજયભાઈ સાથે કામ કરી ચૂકેલા શ્રી મનોજ અગ્રવાલ અને તેમના પત્નીએ તુર્તજ અંજલીબેનને સધિયારો આપ્યો હતો અને પુર્વ સીએમના બંગલા પર પણ પરિવારજનો ઉપસ્થિત હતા. તેઓ પણ આ દુખદ ઘટના પર ભાવવાહી થયા હતા.
બીજી તરફ ગઈકાલની દુર્ઘટનામાં જે રીતે વિમાનમાં પ્રવાસ કરતા તમામ મુસાફરોના મૃતદેહો ભારે 13000 ડીગ્રી જેટલા સેલ્સીયસ વાતાવરણમાં સળગીને કોલસા જેવા બની ગયા છે તેમાં કોઈની ઓળખ પણ શકય નથી અને તેથી ડીએનએ ટેસ્ટ કરીને પાર્થિવ દેહના અવશેષો સુપ્રત થઈ રહ્યા છે.
જેમાં ગઈકાલે સ્વ. રૂપાણીના બહેનના ડીએનએ સેમ્પલ લેવાયા છે અને આજે હવે તેના પર સેમ્પલીંગની પ્રક્રિયા શરુ થશે. જે બાદ પાર્થિવ દેહ પરિવારને સુપ્રત થશે.
સ્વ.રૂપાણીના પુત્રી-જમાઈ પરિવાર લંડનમાં છે તેઓ પણ આજે સાંજે અમદાવાદ પહોંચી જશે અને સ્વ.રૂપાણીના પુત્ર ઋષભ જે અમેરિકામાં છે તેઓ પણ ભારત આવવા રવાના થયો છે તેઓ આજે રાત્રીના અથવા કાલે વહેલી સવારે અમદાવાદ પહોંચશે.
ઋષભ રૂપાણીના આગમન બાદ સ્વ.રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર અંગે નિર્ણય લેવાશે અને સંભવત આગામી બે-ત્રણ દિવસ બાદ રવિવારે અથવા સોમવારે સ્વ.ની અંતિમયાત્રા રાજકોટમાં યોજાશે. રાજકોટ એ સ્વ. રૂપાણીની કર્મભૂમિ રહી છે અને રાજકોટ સાથે તેમનો જે નાતો છે તેથી રાજકોટમાં પણ હાલ શોકમય વાતાવરણ છે.
તમે કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું : કમાન્ડોને જોતા અંજલીબેન ભાંગી પડયા
વિમાની દુર્ઘટનામાં દિવંગત થયેલા સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની આજે ગાંધીનગર સતાવાર નિવાસસ્થાને પહોંચતા જ ભાંગી પડયા હતા. જો કે તેમના આગમન સાથે જ રાજય સરકારના ઉચ્ચ અધિકારી મનોજ અગ્રવાલ અને તેમના પત્ની સધિયારો આપવા પહોંચ્યા હતા.
મનોજ પરમારના પત્નીએ અત્યંત ભાવુક થઈને અંજલીબેનને સધિયારો આપ્યો હતો. બાદમાં પુર્વ મુખ્યમંત્રીના કમાન્ડોને જોતા જ અંજલીબેનને તુર્તજ કહ્યું કે, તમો સાહેબનું આટલું બધું ધ્યાન રાખતા હતા તો કાલે કેમ ન રાખ્યુ તેમ કહીને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. બાદમાં તેઓને બંગલામાં લઈ જવાયા હતા.
રૂપાણી પરિવારને મળતા વડાપ્રધાન મોદી: અંજલીબેનને સાંત્વના પાઠવી
વિમાની દુર્ઘટનાના પગલે અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને મળ્યા હતા અને તેને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ જ નહીં પરંતુ સંઘ અને ભાજપની કામગીરીમાં પણ તેમની સાથે શ્રી રૂપાણીએ કામ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રૂપાણીની કામગીરીમાં પણ શ્રી મોદીનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે.
આજે શ્રી મોદીએ દિલ્હી રવાના થતા પૂર્વે અંજલીબેન રૂપાણી અને પરિવારજનોને મળ્યા હતા તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા અને વડાપ્રધાને વિજયભાઈની પક્ષ અને સરકાર સાથેની કામગીરી તથા તેની પ્રતિબધ્ધતાથી કાયમ તેઓ આપણા દિલમાં રહેશે તેવી સંવેદના વ્યકત કરી હતી.
પુત્ર ઋષભ મોડીરાત્રીના અમેરિકાથી આવી જશે પરિવાર અંતિમયાત્રા અંગે કાલે નિર્ણય લે તેવી ધારણા
રાજકોટ: શ્રી વિજયભાઈ રૂપાણી જેઓને મળવા જવાના હતા તે લંડન સ્થિત તેમના પુત્રી અને જમાઈ સહિતના સભ્યો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે તથા રૂપાણીના પુત્ર ઋષભ જે અમેરિકામાં છે તે પણ મોડીરાત્રીના કે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ સ્વ.ના અંતિમવિધિ અંગે નિર્ણય લેશે.